ગાંગુલીની કુંડળીમાં કોચ અને કપ્તાનનો કાલસર્પ યોગ !

ભારતીય ક્રિકેટ જગતમાં પોતાની આક્રમક્તા અને એક સફળ કપ્તાન તરીકે ખ્યાતી પ્રાપ્ત કરનાર સૌરવ ગાંગુલી હાલ નબળા ફોર્મને કારણે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે મથામણ કરી રહ્યો છે. પણ ભારતીય ટીમનો એક સમયનો આ સફળ કપ્તાન માત્ર તેના નબળા ફોર્મનો જ શિકાર નથી પણ તેની કુંડળીમાં નવા કોચ અને નવા કપ્તાનનો કાલસર્પ યોગ સર્જાયો છે. માટે જ જ્યારે પણ નવા કોચનું આગમન થાય છે ત્યારે ગાંગુલી ભારતીય ટીમના ડ્રેસીંગ રુમમાં નહીં પણ ઘરના ડ્રોઈંગ રુમમાં બેસેલો જોવા મળે છે.

એવું તો નથી કે ગાંગુલીએ હમણા હમણા જ પોતાનું ફોર્મ ગુમાવ્યું હોય. જ્હોન રાઈટના ગયા બાદ અલ્પ સમય માટે ભારતીય ટીમના કોચ પદે બીરાજેલા પૂર્વ ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ગ્રેગ ચેપલના આગમન માત્રથી ગાંગુલી કાળનું પતન થવાનું શરું થયું. ગ્રેગે આવતાની સાથે જ નબળા ફોર્મને લીધે ગાંગુલીનું સુકાની પદ છીનીવી લીધું. તેટલું જ નહીં દ્રવિડને નવો સુકાની બનાવાયો. બસ ત્યારથી ગાંગુલી કુંડળીમાં કાલસર્પ યોગ રચાયો. જે આજે પણ ગાંગુલીની ક્રિકેટ કુંડળીમાં છે. જેના કારણે તે જેટલો સમય ટીમમાં નથી કાઢતો તેટલો સમય ટીમની બહાર કાઢી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે એક સમયે ગાંગુલીની ગણના ભારતીય ટીમના સફળ કપ્તાનોમાં થતી હતી. તેણે એવી ઘણી ઐતિહાસિક મેચોમાં ભારતને જીત અપાવી છે. જો કે તે પોતાના પહેલા જેવા સારા ફોર્મને કાયમ માટે જાળવી શક્યો નહીં. જેની બદોલત આજે તેણે ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ગુરુ ગ્રેગ અને રાહુલ દ્રવિડના કાલસર્પ યોગનો શિકાર બન્યા બાદ ગાંગુલીએ ઘણા લાંબા સઘર્ષ બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી તો ખરી પણ તે માત્ર અલ્પ સમય માટે હતું.

વર્લ્ડ કપની કારમી હાર બાદ ગુરુ ગ્રેગ પોતાના માદરે વતન પાછા ફર્યા. ત્યાર બાદ ગાંગુલી એ હાશકારો અનુભ્યો ખરો પણ એ થોડા સમય માટે જ હતો. એકપછી એક હારનો સામનો કરનાર રાહુલ દ્રવિડે અચાનક પોતાનું સુકાની પદ છોડી દીધું અને તેના સ્થાને વનડે માટે ધોની અને ટેસ્ટ માટે અનિલ કુંબલેની પસંદગી કરવામાં આવી. જે ગાંગુલીની ક્રિકેટ કારકિર્દી માટે પ્રાણઘાતક સાબિત થઈ. જો કે તેને સારી એવી તક મળી પણ હંમેશા યુવા ચહેરાઓને તક આપવાનો ધ્યેય રાખનાર વનડે ટીમના સુકાની ધોનીએ તે ફરી ફોર્મમાં આવે તે પહેલા જ તેની માટેના વનડેના દરવાજા બંધ કરી દીધા. જો કે તેને આશા હતી કે એક વખત ફરી તે વનડે ટીમમાં પાછો ફરશે ખરો. પણ કોચ કર્સ્ટનના આગમન બાદ ધીરે ધીરે તેનું આ સ્વ્પન તુટવા મંડ્યું.

શ્રીલંકા ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તમામ વરિષ્ઠ ખેલાડીઓ નિષ્ફળ નિવડયા હતા. પણ બધાની કુંડળીમાં કોચ અને કપ્તાનનો કાલસર્પ યોગ હોતો નથી. માટે રાહુલ અને સચિનને રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળી ગયું. જ્યારે ટેસ્ટ કપ્તાન કુંબલેના ઇશારે ગાંગુલીને બહારની તરફનો દ્વાર દર્શાવી ગાંગુલીની વનડે કારકિર્દી પર પણ પુર્ણવિરામ મુકાઈ તેવા સંજોગો ઉભા થયા છે. જોઈએ હવે તેની કુંડળીમાંથી આ કાલસર્પ યોગનું નિવારણ થશે કે પછી ?

Leave a Comment